Monday, 21 September 2020

પ્રવાસ વર્ણન - અજય કલસરિયા

શેત્રુંજય ની ગોદ મા.                
                                                   તા. ૨૪/૮/૨૦૨૦
            એલા એય સૂઈ ગયો, બપોરના બરાબર દોઢ ના ટકોરે કાને શબ્દો પડ્યા. આજ મારી ગોદમાં રમવા નહિ આવે કે કેમ?
હું મુંઝાયો, ભર બપોરે રમવા કોણ નવરું હોય, ના હો ભાઈ ના. હાલ ઊભો થા, જઈ. ભર બપોરે સપનું આવતા આવી ગયું, હવે સાકાર થઈ ને જ જા. દિવસે આવેલું સપનું એ જ ઘડીએ સાકાર કરવા કરી તૈયારી.
                     એકલા તો રમાય નહિ, મારા ભેરુ ને યાદ કર્યા. માલપરે થી ઘનો, સગાપરેથી વિશાલ અને ઢુંઢસર થી શૈલેષ ને બપોરના પોણા બે ના ટાણે દુરભાષ યંત્ર થી સૂતા જગાડયા. હાલો, ક્યાં? જ્યાં થી દુનિયા શરૂ થઈ ને ત્યાં. ઘનો બોલ્યો, તારો ટાંગો ઘરે ટકે છે કે નહિ? પણ અત્યારે , મે કીધુ હા આ ઘડીએ જ જાવું. 
             મારા ભેરુ પણ મારી જેવા રખડુ, મોકો મળવો જોઇએ, બપોરના અઢી ના ટાણે પાલીતાણા ના પાદરમાં ભેગા થઇએ, એવા પ્રેમી પંખીડા જેવા કોલ આપી ફોન મૂક્યો. મારી ગાડી સાબદી કરી, જતા જતા એક ચડ્ડો હાથ મા પકડ્યો. બસ આ કરિયાવર મારો. નક્કી કરેલા સ્થળે ઘનો આવ્યો. પણ વિશાલ અને શૈલેષ તેમજ તેના બીજા ગોઠિયા આવ્યા નહિ. રાહ જોતા જોતા ત્રણ ના ટકોરા થયા. મને થયું આજ આ અહીંયા રોડે રમાડવાના લાગે છે ? મે ઘના ને પૂછ્યું કાઈ ખેલ તો નથી માંડ્યો ને તમે. ના ના હમણાં આવશે જ. પણ મારી ધીરજ દા દેતી હતી. ત્યાજ દૂર થી વિશાલ નું મોટર સાયકલ દેખાણું, હાશકારો થયો. 
                 અમારી તૈયારી મિંડા જેવી ગોળ, ક્યાં જવું એ નક્કી કરવાનું વખતોવખત મારી માથે જ હોય. બધાયે કીધું જ્યાં લઈ જાવ ત્યાં પણ મોજ આવવી જોઈએ. જ્યાં પ્રકૃતિ ત્યાં મોજે મોજ જ હોય. તો હાલો ત્યારે મોજ ની ખોજ મા.
અમારા દ્વિચક્રી યાન વેતા મુક્યા, હસ્તગીરી રોડ ભણી. લગભગ પાલીતાણા થી ચાર પાંચ કિલોમીટર ચાલ્યા, ત્યાજ મને ગયા વર્ષ જ્યાં ભૂલા પડ્યા હતા, એ સેતાપીર નો ગાળો અચાનક યાદ આવ્યો, મે ગાડી ની લગામ ખેચી ને થોભાવી. હવે જંગલ કેડે અંદર દાખલ થયા, ઉબડ ખાબડ રસ્તો, ગાડીઓ પણ હાંફી ગઈ. લગભગ દોઢેક કિલોમીટર વગડા વાટે ગાડીઓ હાંકી ને બરાબર રસ્તા વચ્ચે ચેકડેમ ચેકપોસ્ટ બનીને સામે ઉભો. અમારો ભાર ઉપાડનાર યાન હવે અમને ભારે લાગ્યા, એક બાજુ રામભરોસે વાહન ને વિરામ આપી અમે સૌ પોત પોતાની ગુડિયા ગાડી ના જોરે ઉપડ્યા. 
              બે બાજુ ઊંચી ટેકરી, વચ્ચે ખીણ મા અમારે ચાલવાનું હતું. અડધો ક કિલોમીટર ચાલ્યા, ત્યાં નાનું એવું તળાવ હિલોળા લેતું દીઠું. ઊંચે થી દોડતું ઝરણુ તેમાં સમાઈ ગયું. જેમ વૈદ્ય નાડ પારખે, એમ અહી રસ્તો પારખવો પડે. ગૌ ધણ ના પગલાં ઉપર તરફ નું એંધાણ આપતા હતા. મે પણ ગાયો ના પગલે પગલે ચિલા ચીતર્યા. ચીકણો રસ્તો અમને પરાણે પાછાં પાડતો હતો, પણ અમે એમ ગાંઠિયે શેના. ધોધે પોગ્યે જ છૂટકો.
              ખીણ મા અમારે ચાલવાનું હતું, જે રસ્તે પાણી ચાલતું હતું એ રસ્તે ધોધ ને ગોતવા ઉતાવળે ડગલે હાલ્યા. પણ ઉતાવળે કંઈ આંબા પાકે ? આ તો જંગલી કેડો. વિશાલ બોલ્યો કંઈ સાંભળ્યું ? સૌ ના કાન ચમક્યા. ધોધ નજીક મા જ હોય એવું લાગતું હતું. જેની આતુરતા હતી એ અમને મળવા સામે આવતો હોય એમ ખળખળ ના ખોખારા મારી હાકલા કરી પોકારતો હતો. અમે ઝરણાં મા દીવાલ જેવી શિલાઓ ઓળંગી , ઝાડી માથી હોહરવા હાલ્યા. આછા તેલ પાણી મા જેમ  આભલાં મા કળાય એવા અમારા પ્રતિબિંબ કળાતા હતા. બીસ્લેરી ની બોટલ નું પાણી આ પાણી ની આગળ પાણી ભરે તો જ બકે. ઘણાં ને મે શુદ્ધ ઝરણાં મા ઊભા ઊભા પાણી ની બોટલ મોઢે માંડી પોતાની જાત ને શુદ્ધતાનું પ્રમાણપત્ર આપતા ય જોયા છે. કેટલીક માવડિયું  ચી ચી ગંદુ છે, એવી શિખામણ પોતાના વ્હાલસોયા ને આપતી હોય અને મોકો મળે ત્યારે પોતે  બજારે પાણીપુરી ની ઝપટ બોલાવતી હોય, લ્યો બોલો,  આવી મોજીલી માતાઓ ના મતે પાણીપુરી શુદ્ધ. મીડિયમ ઇંગ્લિશ નો પ્રતાપ જંગલ મા ય પ્રભાવ પાડે. અમે તો બાળપણમાં વીરડા ગાળીને ડોળા પાણી ને આછા કરી પીનારા. તરસ લાગી નથી કે સીધું મોઢું માંડ્યું નથી. પામર મનુષ્ય ને અમે ઢોર જેવા લાગીએ.
                               ઉતાવળે પગે ઘનો હાલ્યો, અને અમને હાકલો પાડ્યો. એલા એય જુવો ધોધ, અમે સૌ પાણી મા દોડ્યા. આ હા  સોએક મીટર ની લાંબી શીલા ઉપર આ પ્રવાહ ફણીધર નાગ ની જેમ ફૂફાડા મારતો મારતો દોડ્યો આવતો હતો. અરે ! તારી ભલી થાય. ચંદન ઘો જેમ પત્થર ને  ચોંટેલી લીલ અમારા મારગ નો કાંટો બની,  પગ મુક્યા ભેગો લપસી જાય. ઉપર ચઢવું કપરું. ચારેબાજુ ઝાડી, એની અંદર ચાર પગે ચાલતા ચાલતા વાંદર સેના એ કૂચ કરી. રીઢા પત્થર ને બથ ભરી અને વૃક્ષ ની ડાળીઓ પકડી પકડી ચઢાણ ચડ્યા. થોડા ઝાડા શરીર વાળા ફૂફાડા મારવા લાગ્યા.  ગાંધીબાપુ જેવી મારી કાયા. આમ પ્રકૃતિની કૃપા થી કસાયેલી, સૌથી પેલા ઉપર ચડ્યો. 
                         હવે પાટલૂન ભારે લાગતું હતું, મોંઘા મુલો ચડ્ડો ઠબકાર્યો. બીજા ભેરુ ઉપર આવે એ પેલા આપડે વરરાજા ની જેમ તૈયાર. પાણી ના પ્રવાહ મા આરુણી ની જેમ પાણી ને રોકવા આડો છીતોપાટ સૂઈ ગયો.પ્રવાહ ધીમો હતો, તણાવાની ચંતા નોતી. ઊભો થઈ જોયું તો લીલ મને ઘેરી વળી. આ નું પણ કરજ મારે ચૂકવવાનું હશે, આમ આળોટી આળોટી ને. દોડી દોડી હાહલું હાંફે એમ હાફતા હાંફતા ભાઈબંધો ઉપર આવ્યા. પગ એકી બેકી રમતા થા. 
                          પાંચેક વાગવા આવ્યા હશે. પેટમાં ગલૂડિયાં બોલવા લાગ્યા. રસ્તે હાલતા લીલા  ઓળા એ રંગ રાખ્યો હતો. અવનવી કંપનીના પડીકા હાલતી ગાડીએ લીધા, એ અત્યારે બત્રીસ જાતના ભોજનને ફિકા પાડતા હતા. ઘડીક બહબહાટી બોલાવી. થોડો હાશકારો થયો. મને નાસ્તો લેવા ની ના પાડનાર ઘનો કાન પકડી ગ્યો. બધા હવે અર્ધનગ્ન અવસ્થામાં આવી ગયા. અમને જોનાર ઉપર આભ અને નીચે ધરા, ને સોળેકળાએ ખીલેલી પ્રકૃતિ સાક્ષી બની આ દ્ર્શ્યો જોઈ રહી હતી. શૈલેષ છાનો માનો  અમારા ફોટા પાડે. ફોટા પાડવા એ પણ એક કળા એમાં આ ભાઈ પાવરધો. 
                           શેત્રુંજી પર્વત ની શિલાઓ ઉપર પાણી ચાંદી જેમ ચમકતું હતું. વૃક્ષો હિલોળા લઈ અને પક્ષી ઓ પોતાના કાલાઘેલા કંઠે ગીત ગાય ભાદરવાને આવકારવા ઉત્સુક. આ વર્ષે ભાદરવે સાંબેલાધાર વરસાદ થયો. પૃથ્વી તરબોળ થઈ ગઈ. હું ઝરણાના કાંઠે કાંઠે આગળ ચાલ્યો. મન મુંજાય, આ ઝરણાનું ઠેકાણું ક્યાં હશે ? ક્યાંકથી તો નીકળતું હશે,આજ તો પકડી પાડવું એવું હુરાતન ચડી ગયું. પાણી ના પ્રવાહ મા લગભગ એકાદ કિલોમીટર હાલ્યા, પ્રકૃતિ ની આજ ખૂબી છે કોઈ એને પામી શક્યા તે મારા જેવા પામર પામી શકે. લીલ થી લીસી બનેલી પત્થર ની શિલાઓ ઉપર ઝરણુ દોડ્યું જાય, મે પણ મારી જાત ને છૂટી મૂકી, લહરપટ્ટી ખાધી.હજારો ખર્ચી વોટરપાર્ક ની કુત્રિમ લસરપટ્ટી ને ટોકર મારે, અને અણમોલ નિજાનંદ અહી ફ્રી. મફત મફત.લૂંટાય એટલો લૂંટો.
                           હિમાલયની ગોદમાં થાય એવું ફૂલ શેત્રુંજી ની કુખે જોયું. આવા જ ફૂલ વિશે વોટ્સએપ મા અંધશ્રદ્ધા યુક્ત સમાચારો આવતા એની પોલ ખુલ્લી ગઈ. ઘરની અને મોબાઈલ ની દુનિયામાંથી બહાર નીકળો, અવનવા ફૂલો આવકારવા તૈયાર છે.  કેટલીય જાત ના પતંગિયા અડવાદાવ રમતા હતા. નાના હતા ત્યારે ભણવા ટાણે  પતંગિયા ને પકડવા દોડતા. બીજે દિવસે લાભભાઈ માસ્તર ( ગુરૂજી) કાન પકડી, પતંગિયા એ કરેલ ફરિયાદ ની સજા આપતા.ચુકાદો પતંગિયા ની તરફેણ મા આવતો,  આ દિવસો નજર સમક્ષ તાજા થયાં. 
                            હવે નાહી ધરાણાં, અંધારું થાય એ પેલા હેમખેમ વનવગડા બહાર નીકળવું પડે, અંધારું થાય એટલે ફાટી રે. એટલે ઉતાવળ રાખી મુળ પોશાક ધારણ કર્યો, અમારું પ્લાસ્ટિક ભેગુ કરી સાથે લીધું, બીજા અમારા માટે મુકીને ગયા હશે, એમ સમજી આમતેમ ઊડતી બે ચાર બાલાજી ની કોથળી ને પણ લઈ લીધી.  પ્રકૃતિ જતન નું નાનું એવું કામ જરૂર કરીએ. ગાળા ની બંને બાજુ  ઊંચી ટેકરી. દશ નક્કી કરી અમે લાંગરેલા દ્વી ચક્રી યાન તરફ પાવન પગલાં પાડ્યા. જંગલ મા નાની નાની અનેક કેડીઓ હોય કઈ કેડી મંજિલ સુધી જશે એ તો રામ જાણે. પણ થોડો અનુભવ અહી જરૂર હોકાયંત્ર કરતા ય વધુ કામ આપે. ઢોરના પગલાં નીચે ઉતરવાના એંધાણ આપતા હતા. 
                           વરસાદ અમારી આગળ આગળ ગ્યો હતો એટલે કેડી મા ગારો. ચપ્પલ ના લીધે વાહે કપડામાં નવી રંગોળી ચિતરાતી હતી. જૂની કહેવત પ્રમાણે છોડી ને બંધુકે દેવી, પણ ધંધુકા ના દેવી.  એમ  જંગલે ચપ્પલ નો લેવા, આ કેડે તો જોડા જ ભલા. રસ્તામાં ગારો અને પત્થર વિધન. કેડી ઘડી ઉપર જાય ને ઘડી નીચે ઉતરે. ક્યાંથી ચાલવું  એ નક્કી કરવું કઠિન. નીચે ઉતરી પાણી ના વહેણ મા ચાલવાનું નક્કી કર્યું. ગયા ત્યારે જોયું હતું કે ગાળા નું પાણી તળાવમાં આવે છે. તળાવ સુધી તો જરૂર પહોંચી જઈશું, બે ક રાશ વા નીચે ડગલાં ભર્યા ત્યાં આગળ ગાઢ ઝાડી, અમારો રસ્તો રોકી નવા ચિલે જવાના એંધાણ આપતી હતી. ધીમે ધીમે સૂર્યનારાયણ પણ પોતાના ઘર ભણી પ્રયાણ કરતા હતા. 
                                   ધીમે ધીમે અંધકાર સાથે સાથે ધબકારા વધતા હતા. પૂર્વ દિશા ભણી ઉતાવળા ડગલાં ભર્યા. ઊંચી ટેકરી હવે ધીમે ધીમે નીચી થતી જણાઈ. અડધો ક કિલોમીટર ચાલ્યા ત્યાં ચેકડેમ જે અમારી ચેકપોસ્ટ હતી, તેના દર્શન થયાં, જેમ આભ મા વીજ નો ચમકારો થાય એવો જ હાશકારો થયો. ચેકડેમ ભણી ડગ માંડ્યા, ગૌ માતાઓ પણ અમારી મોર મોર જ ઘરભેગી થઈ હશે, એ ના પગલાં પ્રમાણ પૂરતા હતા. ગાયો ના પગલે ગયા અને પાછા આવ્યા. અમે નીચે ખુલ્લા પટ મા આવ્યા. આવ્યા ત્યારે જે કેડીએ વૃક્ષો વાવેલા હતા એ જાણીતી કેડી જોઈ, અમારી ચાલવાની ઝડપ વધી. પરત મંજિલ સુધી પહોંચવા નો ઉમળકો આવ્યો. અમારા વાહન ક્યારના વાટ જોતાં હતાં.
                                  શૈલેષ બોલ્યો ચેકડેમ ની બાંધકામ શૈલી તો જુઓ, ડેમ ક્યાંક ટુટલો નહિ પણ પાકી પાળી ની નીચે થી પાણી જાય. આમાં ક્યાંથી ભૂગર્ભ જળ વધે.ચેકડેમ પણ બોલતો હતો કે મને નબળો કેમ બનાવ્યો ? અહી જનતાનું કોણ સાંભળે તે આ ડેમ નું સાંભળે. અમે હસતા હસતા ટટડિયા ઉપર  સવાર થયા. સૂરજદાદા એ અમને ઇંગ્લિશ મિડીયમ મા BAY BAY કીધું.અમારી ટોળી એ પણ THANK YOU પ્રકૃતિ બોલી પ્રકૃતિના આશીર્વાદ લીધા. અને વાહન નો ટ ર ર ર ર ર........... નાદ રોડે ચડ્યો. ચા ની ટપરી એ જઈ ટાઢ ઉડાડી. સૌ છુટા પડ્યા, ફરી પ્રકૃતિ ના ખોળામાં રમવા ના એક મેક ને  કોલ આપ્યા. 
                         આવું કહેવાનું મન થાય,  
      शेत्रूंजी नहीं देखा  तो कुछ नहीं देखा, 
      कुछ लम्हे तो गुजारिए इसकी गोद में।
                     છેલ્લે મારો ગુરૂકુલ નો સહપાઠી દાફડા વિજય નો મારી પ્રત્યે આ લેખ લખવાનો પ્રેરણા નો દાખડો ગણ કરી રહ્યો છે. પ્રકૃતિ બોલે એ અહી લખાય. બાકી અજયની સી વિસાત. 
                            જય પ્રકૃતિ.
          
          @ અજય કળસરિયા ( 9429165208 )

No comments:

Post a Comment

ત્યારે તને યાદ કરી છે @રમેશ મારું

ત્યારે મેં તને બહુ યાદ કરી છે..... ક્યારેક આથમતી એવી સાંજ  ઢળી છે ને, ત્યારે મેં તને બહુ યાદ કરી છે,  રતુમડી ઘેરી એવી સાંજ  ઢળી છે ને,  ત્યા...