ત્યારે મેં તને બહુ યાદ કરી છે.....
ક્યારેક આથમતી એવી સાંજ
ઢળી છે ને,
ત્યારે મેં તને બહુ યાદ કરી છે,
રતુમડી ઘેરી એવી સાંજ
ઢળી છે ને,
ત્યારે મેં તને બહુ યાદ કરી છે.
લાખ ટકાની વાત સાચી છે કે ,
હું પહોંચી ન શકું તારા શહેર સુધી,
પણ આપણા શહેરની સાંજ
ઢળી છે ને,
ત્યારે મેં તને બહુ યાદ કરી છે.
એ બાંકડો હજીએ હેમખેમ છે,
સહેજ ઝુંકી ગયો છે દરિયા ભણી,
એજ બાંકડે ઠાલી મારી સાંજ
ઢળી છે ને,
ત્યારે મેં તને બહુ યાદ કરી છે.
ભીંજવે છે દરિયો હજીએ મને,
એના મોજીલા મોજાની મોજથી,
ઓસરતી ઓટની સાંજ
ઢળી છે ને,
ત્યારે મેં તને બહુ યાદ કરી છે.
અનિમેષ જોયા કર્યું છે જળને,
છેક ક્ષિતિજની પેલે પાર "ખફા",
ઘુઘવતી એકલી મારી સાંજ
ઢળી છે ને,
ત્યારે મેં તને બહુ યાદ કરી છે.
"ખફા" - રમેશ મારૂ
No comments:
Post a Comment