*..દિવાલ ઘડિયાળના ટકોરા*
--વાસુદેવ સોઢા
દિવાલ ઘડિયાળમાં અગિયારના ટકોરા પડ્યા. જજ સાહેબે દિવાલ ઘડિયાળ સામે જોયું. ખૂબ જ જૂના જમાનાનું ઘડિયાળ હતું. તેમના દાદાને અંગ્રેજ સરકાર તરફથી કોઇ પ્રસંગે મળેલું હતું. તેના દાદાજી અંગ્રેજ સરકારમાં જજ હતા.તેના પિતાજી પણ જજ હતા.
તેમના દાદા જે અંગ્રેજ સરકારમાં હતા. કેટલાક દેશી રાજ્યોમાં તેમણે ન્યાયાધીશની સેવા આપી હતી. તેમનો ન્યાય તટસ્થ ગણાતો. તેના માનમાં જ આ દિવાલ ઘડિયાળ મળેલું.
સમયની સાક્ષી રુપી દિવાલ ઘડિયાળ આજે પણ એવું ને એવું જ હતું. સમયમાં કશો ફેરફાર થયો ન હતો. આજ સમય સુધી દિવાલ ઘડિયાળની રોનક સચવાય રહી હતી.
દાદાજીની ન્યાયપ્રિયતા સમી દિવાલ ઘડિયાળ તેના પૌત્ર સતીષ વર્માએ સાચવી રાખી હતી. અને તેથી જ એ ઘડિયાળમાં પડતા ટકોરાએ તેણે સજાગ કર્યા. ને ઊભા થવું પડ્યું.
અગિયાર વાગે સતીશ વર્મા પોતાના શયનખંડમાં જઈને ઊંઘી જતા. લાયબ્રેરી ખંડમાં તેઓ અગિયાર સુધી જ બેસતા.
ઘડિયાળ ટકોર કરે એટલે કાયદાના પુસ્તકોને મૂકીને રેસ્ટ માટે રવાના થઇ જતા.
પણ આજે જજ સતીશ વર્મા ઉભા થઈને તેના શયનખંડમાં જવા ગયા. એ પહેલા તેના બંગલાના દરવાજે ટકોરા પડ્યા.
સતીશ વર્મા ઘડીક થોભી ગયા. આ રીતે કોઈ ટકોરા મારે એવું બન્યું ન હતું. વોચમેન રઘુનાથ મુખ્ય દરવાજે જ હોય છે. તેને સતીશ વર્માની દિનચર્યાની ખબર જ છે. કોઈ દિવસ કોઈને પણ આ રીતે અંદર આવવા ન દે.
અત્યારે રાત્રીના અગિયાર થયા છે. કોઈપણ પ્રકારનું અરજન્ટ કામ હોય તો ખુદ રઘુનાથ આવે. રઘુનાથ આવે તો દરવાજે ટકોરા ન મારે. તેને ડોરબેલનો ખ્યાલ છે.
પણ કોઈ પણ સંજોગોમાં રઘુનાથ કોઈને ઘૂસવા ન દે. તો અત્યારે કોણ હશે? શું રઘુનાથ મુખ્ય દરવાજે નહીં હોય? અને એ હોય તો તેણે જ કોઈને અહીં સુધી આવવા દીધા છે..!!
જજ સતીશ વર્માએ લાઇબ્રેરી ખંડનો દરવાજો બંધ કર્યો. આંખો પર રહેલા ચશ્માને ઉતારીને હાથમાં લીધા. રાત્રીના ઝાંખા પ્રકાશમાં એ બંગલાના દરવાજા સુધી આવ્યા.
રાત્રે કોઈ બીજા માણસો બંગલાની અંદર રહેતા ન હતા. સતીશ વર્મા એકલા જ હતા. રાત્રીના નવ પછી નોકરોને છુટ્ટી આપી દેતા. નોકરો સવારે જ આવીને પોતપોતાનું કામ સંભાળતા. માત્ર એક રઘુનાથ જ કમ્પાઉન્ડના મુખ્ય દરવાજે રહેતો. બાકી આવડા મોટા બંગલામાં કોઈ માણસ ન રહેતા.
દિવસના બધા આવી જતા. રસોઈયો, માળી, બંગલાની સફાઈ રાખનારા, બીજા બે નોકરો....
અત્યારે બંગલાની અંદર તો માત્ર એકલા સતીશ વર્મા જ રહેતા. ફરી બંગલાના દરવાજા પર વધારે જોરથી ટકોરા પડતા હોય કેવું લાગ્યું.આ વખતે કોઈ વ્યક્તિ, કોઈ સામાન્ય માણસના ઘરનો દરવાજો ખટખટાવતી હોય એ રીતે ટકોરા પડ્યા.
સતીશ વર્મા દરવાજા તરફ આવ્યા. જૂનાપુરાણા બન્ગલાનો દરવાજો પણ તોતિંગ હતો. જજ સાહેબે દરવાજાની સ્ટોપર ખોલી. એ સાથે જ કોઈ રાહ જોઈને જ ઉભા હોય એમ ધક્કો મારીને એ વ્યક્તિ અંદર ધસી આવી.
" અરે.. અરે...!"સતીશ વર્માના મુખમાંથી નીકળી પડ્યું. તેઓ આશ્ચર્ય અને થોડા ક્રોધથી જોઈ રહ્યા.
સામે જ એક સ્ત્રી ઊભી હતી. તેની કાખમાં છોકરું તેડેલું હતું. અને પાંચેક વર્ષનો એક છોકરો તેની આંગળીએ વળગ્યો હતો. સ્ત્રીના પેટમાં છએક માસનો ગર્ભ હોય એમ લાગતું હતું.
" કોણ છો તમે? અહીં આવ્યા કેવી રીતે?" સતીશ વર્માએ, રઘુનાથ કેમ ક્યાંય દેખાતો નથી એ જોવા આસપાસ નજર ફેરવી.
" સાહેબ તમે મને ક્યાંથી ઓળખો..!? હું તો અહીંથી ખૂબ દૂરના ગામડામાં રહું છું.! મારું નામ દમુ છે.દમુ તો મને સૌ કહે છે. પણ મારું અસલી નામ દમયંતી છે."
સતીશ વર્મા દમયંતીને તાકી રહ્યા. ત્રીસેક વર્ષની લાગતી દમયંતીના ચહેરા પર વ્યથાના વમળ ઘૂમી રહ્યા હતા .વ્યથાને દુર કરવવામાં આવે, તો દમયંતીનો ચહેરો સુંદરતાનો નમૂનો હતો. કાળની થપાટોમાં દમયંતીનું સૌંદર્ય દબાઈ ગયું હોય એમ લાગતું હતું .અને આટલી નાની વયે બે બાળકોની માતા બની ગઈ હતી. હજી તેના ઉદરમાં ત્રીજું બાળક ઉછરતું હોય... તેની નોંધ પણ સતીશ વર્માએ લીધી.
"પણ બેન,તું અહીં શા માટે આવી? તને રઘુનાથે અટકાવી નહીં ?"
"મને અટકાવી હતી. પણ... "
"પણ શું ?'સતીશ વર્માએ પૂછ્યું.
" પણ મારે તમારી પાસે ન્યાય જોતો હતો. એટલે અહીં સુધી હું આવી.'
" શું ચોકીદારે તને અહીં આવવા દીધી ?'સતીશ વર્માના ભંવા ચડ્યા.
તરત દમયંતી બોલી ઉઠી," ના... ના...!સાહેબ. એણે આવવા નથી દીધી.હું એની નજર ચૂકવીને અહીં આવી ગઈ છું.મારે ન્યાય જોઈએ છે.."
" તારે ન્યાય જોઈતો હોય તો અદાલતમાં આવવું જોઈએ.અહીં ઘરે ના હોય.."
" મને અદાલતમાં અન્યાય થયો છે. એટલે આપની ઘરે અડધી રાત્રે આવી છું.. " દમુએ કાંખમાં રહેલા છોકરાને બીજા હાથમાં લીધો.આંગળીએ રહેલો છોકરો કુતુહલથી ચારે તરફ જોઈ રહ્યો હતો.
" અહીં બેસીને વાત કરો ..'સતીશ વર્માએ ખુશીઓ બતાવી. દમુ અને તેના છોકરાઓ નીચે ફરસ પર બેસી ગયા.
"રઘુ ....ઓ...રઘુ...!"જજ સાહેબે બૂમ પાડી. રઘુ દરવાજેથી દોડતો આવ્યો.," અરે..!! તમે અહી ક્યાંથી..?"
.દમુને જોઈને રઘુ રઘવાયો બની ગયો.," હું બીજો દરવાજો ચેક કરવા ગયો, એટલી વારમાં તમે અહીંયા આવી ગયા?"
" હવે આવી જ ગયા છે, તો હું તેને સાંભળીશ. તું એને અને બાળકોને કશું ખાવાનું આપ. ભૂખ્યા હોય એવું લાગે છે... ! હું કપડાં બદલીને આવું છું ..!"જજ સાહેબ અંદર ચાલ્યા ગયા.
રઘુએ ખાવાનું આપ્યું. છોકરો અને દમુ ખાવા લાગ્યા.
" સાહેબને ખબર તો નથી પડીને કે મેં તમને અહીં આવવા દીધા છે ...!"
"ના, એ તો તારી નજર ચૂકવીને આવી ગયા છે.." પાછળ આવીને ઊભા રહેલા સતીશ વર્માએ કહ્યું. અને રઘુનાથ તથા દમુ બન્ને ચોંકી ઉઠ્યા.
"બોલ બેન ,તારી શી ફરિયાદ છે?"
"જજ સાહેબ, તમે અમને એટલી આકરી સજા શા માટે કરી?"
" બેન આ તું શું કહે છે ?મારી અદાલતમાં તો તું ક્યારેય આવી જ નથી..!"
" કોઈ વિક્રમને આપે આજીવન કેદની સજા ફરમાવી છે..!"
" હા એ સાચી વાત છે. ભયંકર ગુનો બને છે. તેની વિરુદ્ધના પુરાવા પણ મળ્યા છે..!"
"એ મારો પતિ છે."
જજ સતીશ વર્મા દમયંતી સામે આંચકાથી તાકી રહ્યા. પછી પહેલા બાળકો સામે જોઈ રહ્યા.
" હવે અમારો આધાર શો? મારો પતિ તો જેલમાં રહીને પણ તેનું પેટ ભરશે. પણ અમને કમાઈને કોણ આપશે? આ બે છોકરાઓ, હું અને મારા પેટમાં ઉછરી રહેલું ત્રીજું છોકરું... એણે શું ગુનો કર્યો છે ?એને આવડી મોટી સજા શા માટે આપી રહ્યા છો?"
સતીશ વર્મા સ્થિર નજરે ત્રણેયને તાકી રહ્યા. અને ઊંડા વિચારમાં પડી ગયા.
"બેન, કાયદાની રીતે તારા પતિ અપરાધી છે. એ બચી ન શકે. તેને સજા થાય જ. તેણે ખૂન કર્યું છે ."
"એણે ખૂન નથી કર્યું. મજબૂરીથી એના હાથે ખૂન થઈ ગયું છે. એનો સ્વભાવ ખૂન કરે એવો છે જ નહીં. જે માણસને ક્યારેય ક્રોધિત થતા જોયો નથી. અજાણતા કોઈ જીવાત પગ તળે ચકદાઈ જાય, તોય અરેરાટી છૂટી જાય...! એવો માણસ ખૂન કરે? ના..ના.. જજ સાહેબ, ના. તમે ખાલી મારા પતિને જ નહીં, અમને સૌને સજા કરી છે. અમારો શો દોષ હતો?"
જજ સતીશ વર્મા ક્યાંય સુધી વિચારતા રહ્યા.દમુ તથા તેમના છોકરાઓ સામે જોતા રહ્યા. પછી બોલ્યા," તારી વાત સાચી હશે..! પણ આધાર પુરાવાઓ તારા પતિને દોષિત ઠરાવે છે. એ ગુનેગાર સાબિત થાય છે. તે રીતે તેને સજા થઈ છે. હું કોઇ જ ફેરફાર ન કરી શકું.." સતીષ વર્માની આંખો પર આછા આંસુ આવી ગયા." રઘુ આ લોકોને લઈ જા.."
સમય વીતવા લાગ્યો. દમયંતીના ઘરે દર મહિને કોઈ માણસ આવીને, તેના કુટુંબનું ભરણપોષણ થાય, એટલા પૈસા બંધ કવરમાં આપી જતો.
દમયંતી કંઈ પૂછે એ પહેલાં પેલો માણસ કશી જ ઓળખાય વિના ચાલ્યો જતો. દર મહિને કોઈ નવો માણસ આવતો.
થોડા વર્ષો પછી દમયંતીએ ખુદે તપાસ કરી.એ જજ સતીશ વર્માને ત્યાં આવી. "કોણ આ પૈસા આપી જાય છે?"
પણ રઘુનાથે જ તેને કહ્યું. "જજ વર્મા સાહેબ તો એ રાત્રે કઈક લખતા હતા...ને હાર્ટ એટેકથી એ જ રાત્રે મૃત્યુ પામ્યા હતા. જે રાત્રે તું ફરિયાદ લઈને આવી હતી."
ત્યારે જ બરાબર દિવાલ ઘડિયાળમાં ટકોરા પડયા...
*********
No comments:
Post a Comment