અરીસો
--વાસુદેવ સોઢા
વશરામ બસમાંથી ઊતર્યો. બસ ઉડાડતી ચાલી ગઈ. ધૂળનો ગોટો દેખાતો રહ્યો, ત્યાં સુધી વશરામ એ દિશામાં તાકી રહ્યો હતો. જો મગનભાઈએ' કા વશરામ..! હજી કેમ ઉભો છે?' એમ ટપાર્યો ન હોત, તો વશરામને ઘરે જવાનું જ યાદ ન આવત.
મગનભાઈની ટકોરથી વશરામને ભાન થયું. થેલીને બગલમાં દબાવતો એ ઘરે આવ્યો. પણ તેના મનમાં ધૂળના ગોટા ઉડાડતી બસ હજી સ્પષ્ટ દેખાતી હતી.
ઘરમાં આવીને વશરામેં થેલી ખટારા ઉપર મૂકી. ને ચારે તરફ જોવા લાગ્યો.
ઘરમાં કોઈ ન હતું. તેની પત્ની ક્યાંક પડોશીને ત્યાં બેસવા ગઇ હતી. છોકરાઓ ક્યાંય રમતા હશે. વશરામને નિરાત થઈ.- સારું થયું, ઘરમાં કોઈ નથી તે .નહિતર બસની એમ મધુર પળને વાગોળવા નો વખત જ ન મળત.
વશરામ દોડીને ઓસરીની દીવાલે જડેલા ફ્રેમ વાળા અરીસા સામે જઈને ઊભો રહ્યો.જો કે ગામડામાં આવો અરીસો ભાગ્યે જ હોય. ચારે તરફ મજાની નકશીદાર ફ્રેમ. નીચે ખાનું. ખાનામાં દાંતિયો, પાઉડરનો ડબ્બો, શેવિંગ સાધનો રહી શકે તેટલી જગ્યા.
અનિલ વશરામનો નાનો ભાઈ. આ અરીસો એ શહેરમાંથી લાવ્યો હતો. અનિલ શહેરમાં ભણતો હતો. હજી ગયા વેકેશનમાં આવ્યો ત્યારે તે આ અરીસો લાવ્યો હતો. અરીસો જોઈને વશરામ એ કહ્યું હતું," અનિલ, આવા ખોટા ખર્ચા શું કામ કરે છે? આપણે ગામડામાં આવડા મોટા અરીસા ન પોહાય..! નાનકડું આભલું હોય તોય બસ. અને આભલામાં જોવા જેવા આંય કોના મોઢા હોય છે..!"
" ભાઈ, આ તો મારો એક દોસ્ત છે. એણે મને લઈ દીધો છે. મેં રૂપિયોય નથી ખર્ચયો.," અનિલે ચાહી કરીને દોસ્તનું બહાનું કરી દીધું હતું.
ખરેખર તો તેની સાથે કોલેજમાં ભણતી મીનળે જ અનિલને અરીસાની ભેટ આપી હતી.
" તો તો ઠીક. પણ તોય..! આપણા ઘરમાં આ અરીસો ન શોભે...!અરીસો શોભે એવું આપણું ઘર જોઈએ ને...!" વશરામે કહ્યું હતું.
એ જ અરીસો વશરામને અત્યારે બહુ વહાલો લાગ્યો. અરીસા સામે ઊભા રહીને પોતાનું પ્રતિબિંબ જોવા લાગ્યો.ચહેરાની રેખાઓ, હોઠ, નાક, કાન અને વાળ પર નજર ફરવા લાગી. વાળ અસ્તવ્યસ્ત થઇ ગયા હતા. તે ખાનામાંથી દાંતિયો કાઢીને ઠીક કર્યા. વ્યવસ્થિત ઓળયા.- હા..! તેને પ્રશ્ન થયો. કે શું એ રૂપાળો છે? કોઈ છોકરી એની સામે ટગર ટગર જોઈ રહે એવો રૂપાળો છે? હા...! તો જ બસમાં પોતાની આગળ બેઠેલી છોકરી તેને થોડી થોડી વારે જોઈ રહી હોય ને..!! કોણ હશે? ક્યાં રહેતી હશે? નામઠામ પૂછી લીધું હોત તો સારું થાત. માળી હતી એ ફૂટડી હો...!!કોઈક કોલેજીયન જેવી લાગી..!!
અરીસામાં પોતાની એકેએક રેખાને વશરામ જોવા લાગ્યો. અને વિચારવા લાગ્યો. હા અનિલ જેટલો રૂપાળો નથી. તે ન જ હોવ ને..! અનિલ મારા કરતાં નાનો છે. વળી એને શેની ઉપાધિ? ખાવું-પીવું અને ભણવું. સારા સારા લુગડા પહેરવા..! આમ તેમ પટિયા પાડવા. પછી અનિલ રૂપાળો તો લાગે જ ને.!!
હા આમ ગણો તો બંને ભાઈઓના ચહેરા મોહરા એક જ છે. અજાણ્યો માણસ પણ ઓળખી જાય.કે આ અનિલના મોટાભાઈ છે. બાકી ઉંમરનો તફાવત ન હોય તો.. હું અને અનિલ બદલાઈ જઈએ. કયો અનિલ, ને કયો વશરામ..!! કોઈ જાણી ન શકે.
એ છોકરી કોણ હશે? વશરામનું મન બસમાં બેઠેલી યુવતીની આસપાસ ભમરાની જેમ ગુંજવા લાગ્યું.
આજે જાણે એને પોતાની જુવાની સાંભરી. એને થયું કે આટલા વર્ષ મારા પાણીમાં ગયા..! અને એક યુવતીએ સામે જોયું ..!પણ ક્યારે? છેક અત્યારે..!
વશરામ ક્યાંય સુધી એ યુવતીના વિચારમાં ગરકાવ થઈ ગયો હોત, પણ તેની પત્નીએ પાછળથી આવીને તેને હેબતાવી દીધો.- એ સાંભળો છો?"
" શું?" સ્વપ્ન તૂટી પડ્યું. વશરામ બાઘાની જેમ તેની પત્ની સામે જોવા લાગ્યો.
" અનિલભાઈએ કોઈ સાથે આ કવર મોકલ્યું છે.કોઈ ભાઈ આપી ગયો છે.
"કોણે અનિલે?"
"હા, એણે મોકલાવ્યું છે. અને લખ્યું છે કે ભાભી મે છોકરી જોઈ રાખી છે. તમે મારી ચિંતા કરશો નહીં. અને સાથોસાથ ફોટો પણ મોકલ્યો છે..!!" વશરામની પત્નીએ રાજી થતા કહ્યું.
" પણ છોકરી કોણ છે? ક્યાંની છે? આપણા નાનકડા ઘરમાં સમાય કે કેમ ?... એ આગળ બોલત. પણ તેની પત્નીએ તેને વચ્ચે અટકાવતા કહ્યું," અનિલભાઈ લખે છે કે છોકરીએ તમને ઘણીવાર જોયા છે. એ આવતા જતા આપણા ગામમાંથી જ ઘણી વખત નીકળે છે. અને તમને બેય ભાઈઓ ને તો અજાણ્યા પણ ઓળખી જાય, કે તમે બે સગા ભાઇઓ છો. લ્યો.. જોઈ લો ...આ છોકરીનો ફોટો..!! મને તો બહુ ગમે છે.."
વશરામની પત્નીએ ફોટો બતાવ્યો. વશરામ ફોટો હાથમાં લીધો. અને વશરામને આંખો ફોટા સામે સ્થિર થઈ ગઈ. બસમાં જે પોતાની સામે ટગર ટગર જોયા કરતી હતી, એ છોકરીનો ફોટો હતો.
વશરામને થયું કે એ મને અનિલના ભાઈ તરીકે જ જોતી હતી. ને...!ને...!! હું શું માની બેઠો??
ફરી વશરામે પોતાનું મોં અરીસામાં જોયું. ને હસી પડ્યો......
*********
No comments:
Post a Comment