Saturday, 19 September 2020

વાર્તા- સરદારખાં મલેક

💐 *મેરા... દર્દ ના જાને કોઈ!!!*  💐

        દસની લોકલ પકડી એ અમદાવાદ એક બેસણામાં જઇ રહ્યો હતો. બસ હવે એને આવુ જ  કરવાનું હતું. નોકરી દરમ્યાન તો  કોઈ સારા ભલા પ્રસંગે  ખાસ જઇ શક્યો ના હતો. ટ્રેનની ઝડપ જેટલીજ ઝડપથી  એના બાસઠી મગજમાં વિચારો દોડી રહયા હતા. નજર બારી બહારનાં ઝડપથી બદલાઈ રહેલાં દ્રષ્યો તરફ હતી. એ ચોત્રીસ વર્ષની નોકરી, ચાર નોકરીનાં સ્થળો, સાત વર્ષની ઉંમરનો જયેશ,  પત્ની લલિતા . બધું તેની સામે જિંદગીની ફિલ્મનાં દ્રષ્યો બનીને ઉભરાઇ રહ્યું હતું. જીવનનાં પાસાં એક પછી એક  ઘણીજ ઝડપથી સંકેલાઈ ગયાં હતાં. એને એમ જ લાગતું હતું કે હજુ હમણાં જ તો એ બાજુના નાના ગામની પ્રાથમિક શાળામાં નોકરીએ લાગ્યો હતો.  હજુ હમણાં જ તો લલિતા પાનેતર ઓઢીને તેના ઘેર આવી હતી.  લગ્નના સાતમે વર્ષે મોડે  મોડે પણ ભગવાને એના આંગણે  જયેશને  રમતો કર્યો હતો.

                   ટ્રેનમાં પેસેન્જરોની હજુ બહુ ભીડ ના હતી. આજુબાજુ કોણ બેઠું છે તેની નોંધ લીધા વગર અલગારીની જેમ એ છેવાડે બેઠો હતો જ્યાંથી એની નજર ટ્રેનના બારણા પાસે બેઠેલા બે ત્રણ નાના બાળકો તરફ પડે. સામે બેઠેલ બાળકોને ધીંગામસ્તી કરતાં જોઈ એને પોતાના પુત્ર જયેશની યાદ આવી ગઇ. ટ્રેન પુરપાટ વેગથી દોડી રહી હતી.એ સીટ ઉપરથી ઊભો થયો. પેલા બાળકો પાસે ગયો ને બોલ્યો,"જુઓ બેટા બારણાથી થોડાં દૂર રમો, ધક્કો વાગે તો નીચે પડી જવાય." આટલું બોલી, પાછો પોતાની સીટ પર બેસી ગયો.

 બસ ,  આજ રીતે એનો જયેશ બાળકો સાથે રમતો ત્યારે બધાં પર હાવી થઈ જાતો. રમતમાં પણ એ કેવો રોંફ જમાવતો. કેટલું તોફાન કરતો. કેટલાંય રમકડાં લાવી આપેલાં તોય એ ધરાતો નહીં. રમી લીધા પછી ઊઠીને ચાલતો થાય. લલિતા, પછી એ સાજા કે તૂટેલાં  કચરા જેવાં રમકડાં એક મોટા  થેલામાં ભરી ખીંટીએ લગાવી દે. ફરી વખત  રમકડા સાથે રમવાની  ઈચ્છા થાય ત્યારે કોઈને કહ્યા વગર એટલી ઊંચી ખીંટીએથી  એ જાતે રમકડાં ભરેલી થેલી ઉતારી લે.

       ટ્રેનના બારણા પાસે રમતાં છોકરાં તોફાને ચડયાં હતાં. તે ફરી ઊભો થયો, પાટિયાની આડશમાંથી ડોકિયું કરી "અલ્યા છોકરાંઓ બારણા નજીક આવી  મસ્તી ના કરો."  એમ બોલી  પાછો એની સીટ પર બેસી ગયો. 
આજુબાજુ બેઠેલાં પેસેન્જરોને તેનું વર્તન જરા વિચિત્ર લાગ્યું. બધાં એને ટિકી ટિકી ને જોવા લાગ્યાં. આ પ્રવાસીઓ એક બીજાનાં જાણીતાં હોય તેમ જણાતું હતું.  એ બધાં ગુસપુસ કરવા લાગ્યાં.  કેટલાંક વળી એના સામે જોઈને હસવા લાગ્યા. 
                  જયેશની સાત વર્ષની ઉંમર. ઉત્તરાયણને બે દિવસ બાકી હતા ને ખૂબ હઠ કરેલી એણે પતંગ અપાવવાની. " ના પપ્પા હુતો સુરતી માંજાથીજ ઉત્તરાયણ કરીશ. મને એ આપવો આપાવો ને અપાવોજ." પછી તો એણે ઢગલો પતંગ, બે ત્રણ ફીરકી, ટોપી, ચસમાં, પીંપૂડા કેટલીએ આઈટમસ અપાવેલી.
  ઉત્તરાયણના દિવસે એના મિત્રોનું ટોળું ભેગું કરેલું. આખું ધાબુ ગજવી મૂકેલું. લલિતાતો બપોર સુધી એમના ટાંપામાંથી ઊંચી ના આવી. શેરડી, બોર,તલસાંકળી, ને ચીકીનો સોથ વાળી નાખેલો. એ થોડી થોડી વારે ધાબા પર આવી ટોળકીના દેકારા પડકારા સાંભળી મનમાં મલકાયેલી. મહેશને પતંગમાં ચગાવવામાં ખાસ  રસ નહીં પણ બધાં છોકરાંઓનું ધ્યાન રાખીને બપોર સુધી ધાબા પર બેઠેલો.
           લલિતાએ એને જમવાના સમયે નીચે બોલાવ્યો. જયેશને પણ જમી લેવાનું ખૂબ કહ્યું. " ના મમ્મી , મને હાલ ભૂખ નથી. તમે જમી લ્યો હું મોડો જમીશ. અત્યારે પવન મસ્ત  છે. એ....આ કાપ્યો. હો... હો.. હો..." મિત્રોની સાથે બુમો પાડતાં પાડતાં જ્યેશે જવાબ આપેલો.
"આ છોકરો છે કાંઈ! પતંગમાં ને પતંગમાં ખાવાનુએ ભૂલી જાય છે!" લલિતા આમ બોલી બેય માણસ ધાબા પરથી નીચે આવ્યાં. 
    હજુ મહેશને ને લલિતા પહેલો કોળિયો ભરે છે ત્યાં બહાર રસ્તા પર ગોકીરો થવા લાગ્યો. રાડો ને બુમો પડવા લાગી. દોડો... દોડો.... કોઈ છોકરો ધાબા પરથી પટકાયો દોડો ! ગજબ થઈ ગયો. જયેશના મિત્રો બધા ધાબા પરથી દોડતા નીચે જવા લાગ્યા. છેલ્લે ઉતરતા એક છોકરાએ લલિતાને બૂમ પાડી. "આંટી...દોડો..દોડો.. જયેશ....."
                એ જમતાં જમતાં બહાર નિકળયાં હતાં. બહાર આવી જોયું તો આભ ફાટી પડ્યું હતું એમને માથે. ધાબા પરથી નીચે પટકાયેલા એમના જયેશની ખોપરી જાણે ફાટી ગઈ હતી ને  સડક પર અડધે રસ્તે લાલ લાલ લોહીનો રેલો પહોંચી ગયો હતો. રસ્તા પર જમા થયેલા  ટોળાની ગિરદીને વીંધી લલિતાએ પોતાના વ્હાલસોયા જયેશને ખોળામાં લીધો, ત્યારે તો એની લાશ પણ તરફડતી બંધ થઈ ગઈ હતી.
  
         ટ્રેને બરાબર વેગ પકડ્યો હતો. સુસવાટા મારતો પવન બારીઓમાંથી ઘસી આવતો હતો. મહેશ બહુ હેરાન હતો. તેને થતું હતું,'આવી રીતે બાળકોની જિંદગી જોખમમાં મૂકનાર બાળકોના માબાપને એક થપ્પડ ઝીંકી દે.' 
 થોડી થોડી વારે સીટ પરથી ઊભું થવું ને બેસી જવું. હાથમાં રહેલી છત્રી થોડી થોડી વારે પેલાં રમતાં બાળકો તરફ ઉગામવી. બીજાની સામે ઘુરકીને જોવું. મહેશની આ ચેષ્ટાઓ   સહપ્રવાસીઓ ને વિચિત્ર લાગતી હતી. એવામાં એક નાની બાળકી તેની મમ્મી પાસેથી કાંઈક વસ્તુ લઈને ટ્રેનના બારણા પાસે રમતાં પેલાં બાળકો તરફ દોડી. ને એ ઊભો થઈને ધુઆંપુઆં થાતો જોરથી તાડુક્યો , "એ ભાન વગરનાંઓ આ તમારી છોકરીને સંભાળો  ! તમને લોકો ને કાંઈ ભાન છે  ! ? ધ્રૂજતો ધ્રૂજતો વળી પાછો તેની સીટ પર બેસી ગયો.
" ચસ્કી ગયેલું લાગે છે ! " કાન ઉપરના ભાગે તર્જની આંગળી અડાડી ગોળ ગોળ ફેરવતું  સામેની સીટ પરથી કોઈ બોલ્યું.

                                        
                     ✍ સરદારખાન મલેક સિપુર તા. સંખેશ્વર જી. પાટણ   94269 31781

No comments:

Post a Comment

ત્યારે તને યાદ કરી છે @રમેશ મારું

ત્યારે મેં તને બહુ યાદ કરી છે..... ક્યારેક આથમતી એવી સાંજ  ઢળી છે ને, ત્યારે મેં તને બહુ યાદ કરી છે,  રતુમડી ઘેરી એવી સાંજ  ઢળી છે ને,  ત્યા...