શેત્રુંજી ના સંગાથે.
બસ આજ બપોરે પ્રકૃતિ એ પોકાર્યો, ને હું પહોંચી ગયો તેની ગોદ મા રમવા.
ભમવા ડુંગરા હોય સંગાથ બે પાંચ ગોઠિયા, બવ જાજી તૈયારી ખાસ નહિ. ક્યાંય પણ પ્રકૃતિ ને હાની ના પહોંચે એવો હોય અમારો ખજાનો. કોઈ ક્યાં ભૂખ્યા રહ્યા, તે આપણે રહીએ. વહેતું ઝરણું એ જ અમારા માટે મિનરલ વોટર. આમેય મિનરલ વોટર પીનારા ને ઝરણાનું શુદ્ધ પાણી મલિન લાગે.
પાલીતાણા થી અમારા ટટડીયા રવાના થયા, જીવાપુર ગામની સીમમાં, ત્યાંથી શેત્રુંજી ડુંગર માળા તરફ. મારી સાથે બીજા પંદરેક ભોમિયા ખરા. આમ તો બધા નવા નિશાળિયા જેવા. બસ નિજાનંદ માટે આવેલા.
બજારમાંથી ઓળા અને દાડમ નો પ્રાકૃતિક નાસ્તો પસંદ કર્યો. હવે આતુરતા હતી ધોધ મા નાવાની. પણ પ્રકૃતિ કસોટી તો લે, એમ કંઈ આપણી અધીરાઈ નો ઓડકાર થોડો આવે. પ્રકૃતિના ખોળે રમવા, આળોટવા, કસોટી તો થાય.
અજાણ્યા રસ્તે અમારી રામતોળી ઉપડી. જ્યાંથી ઝરણા નો વહેતો પ્રવાહ આવે એ જ અમારો રસ્તો, કાંઠે કાંઠે ઉપડ્યા.
સાથે ઝરમર વરસાદ નો સંગાથ, અને દોડતા ઝરણાનો મધુર અવાજ, ખળખળ ખળખળ નું મધુર ગીત, એ અમારે મન અત્યારે સુપરહિટ ફિલ્મ સોંગ ને ઝાંખું પાડતું હતું. ઘણા પામર મનુષ્ય ઝરણા કાંઠે કાનમાં ડતિયું ભરાવી શું સાંભળતાં હશે ? એવો વિચાર આવે. કદાચ કાનના પડદા ને ધ્રુજાવે એવા સંગીત એમની પ્રકૃતિ હોય એવું પણ બને.
દોડતા ઝરણા ના તટે અમારી ટોળી ચાલી જતી હતી. રસ્તામાં દિવ્ય જડીબુટ્ટી અધહપુષ્પી, શંખપુષ્પી, વિકળો, ગળો, મામેજવો, શતાવરી, ના દર્શન થયા, સૌ ને ઓળખાણ કરાવી. ઔષધિય વનસ્પતિ નો પરિચય મને વૈદ્ય મહેન્દ્રસિંહ સરવૈયા એ આમ ડુંગરા ભમતા ભમતા કરાવેલો, એટલે એ આ બાબતમાં મારા ગુરૂ. તેમને પણ આ ઘડીએ મનોમન યાદ કર્યા. એક નજર સૌ ના મુખ પર ફેંકી, આહા ક્યારેય પ્રકૃતિ ના ખોળા મા રમ્યા જ ના હોય એવા દીઠા, પણ સૌ મોજ મા હતા એટલે મનોમન હાશકારો થયો. સૌ મંજિલ સુધી પહોંચવા આતુર.
પણ આતો વાયુવેગે દોડતા ઝરણા, એમ કંઈ મંજિલ આવે. હવા પૂરવાનું કામ પ્રકૃતિ કરતી હતી, કોઈ ને થાક જેવું લાગ્યું નહિ. નક્કી કર્યું આજ તો દોડતા ઝરણાને પકડી પાડવું બધા જુવાનિયા ભારે બળુકા. બંને કાઠે વનરાઈ શરણાઈ વગાડતી હતી, જાણે ઝરણા ના લગ્ન થતાં હોય, અવનવા ખીલેલા ફૂલો જાંનડિયું ના માથે જેમ વેણી શોભે એમ શોભતા હતા.અમે પણ જાનૈયા થયા. મોજ મા આવી કોઈ છીટી વગાડે, કોઈ બે પત્થર હાથ માં લઇ મંજીરા વગાડે, કોઈ નાચે, મારા જેવા મૌન આવા દ્ર્શ્યો જોઈ આનંદ લૂંટે.
મારા કાને શબ્દો પડ્યા, માસ્તર હવે કેટલું હાલવાનું ધોધ તો ક્યાંય દેખાતો નથી. હું પણ આ વખતે આ કેડે નવો નીશાળ્યો. સૌ ને કીધું બસ થોડું ચાલો એટલે ધોધ સામો મળશે. મનોમન વહેતા ઝરણાં ના પાણી ને હાથમાં લઈ બોલું કે આજ આ માસ્તર ની લાજ રાખજે ત્યાં દેકારો શરૂ થયો. એ ધોધ, ધોધ જો પદુ (પ્રદીપ) ધોધ. સૌ મોજ મા આવી ગયા.હું પણ મનોમન મલકાયો, હાશ માસ્તર ની આબરૂ રહી ગઈ.
બધા જલ્દી દોડી ધોધ ના પ્રવાહ મા ધૂબકા મારવા લાગ્યા, ચિચિયારીઓ શરૂ થઈ. કોઈ લહરપટ્ટી ખાય, કોઈ પાણીની જાલક ઉડાડે, કોઈ ખાબોચિયામાં બેઠા બેઠા નાય. સૌ પોતપોતાની અલોકિક મોજ મા લીન થયા. હવે મોજે ગતિ પકડી હોય એવું લાગ્યું, પોરહના ફોરા છૂટવા લાગ્યા.
પ્રકૃતિને પામવાની ઇચ્છા એટલે મે હવે ઊંચી પત્થર ની શિલાઓ ચડવાનું નક્કી કર્યુ. મારી સાથે બીજા પણ આવ્યા, હવે થોડું સાવધ થઈ ચાલવું પડે. જેમ હનુમાન દાદા ને તેલ ચડાવી પરાણે રીઢા કર્યા હોય એમ અહી પથ્થરો લીલ થી રીઢા થઈ ગયા હતા. જરાક ભૂલ થી તપ પાકી જાય, પણ અનુભવ અને ધીરજ ને સાથે રાખી ઊંચે ચડ્યો.
ઉપર ચડી જોયું તો, મા ખોડીયાર પ્રકૃતિના રખોપાં કરવા પત્થર ની ભેખડ મા બિરાજે. ધજા નો ફફડાટ, ધોધ નો નાદ અને જરમર વરસાદ, આછો સોનેરી તડકો, શેત્રુંજી ડુંગર ના માથે જેમ જૂના જમાનામાં વરરાજા ના માથે સાફા સાથે લબક જબક થતી ગલોપડી શોભે એમ શોભતો હતો. દૂર નજર નાખી આ હા જેમ નાગ અને નાંગણ એક બીજાને વિટલાઈ ને શૃંગાર રસપાન મા લીન હોય એમ વાદળો પોતાના ઊંચા સિંહાસન છોડી શેત્રુંજી પર્વત ને આલિંગન આપી રહ્યા છે. અહો પ્રકૃતિ.
નીચે ઉતરવાનો વચાર કર્યો. પત્થર ને પરાણે ચોંટેલી લીલ હાલ મોટી બલા. થોડી ભૂલ થઈ એટલે પ્રકૃતિ નું હુરાતન ફટ કરતું ઉતરી જાય. કોરી શિલાઓ ને બથ ભરી ભરી નીચે ઉતર્યા.
નીચે ઉતરી લપસવાના ઑરખા પૂરા કર્યા. સૌ થી વધુ અમારો મેપૂ ( મહિપત ) પડ્યો, અને પ્રિન્સ પણ પડવામાં પાવરફુલ.
બે ચાર ગોથા હું પણ ખાઈ ગયો, પણ બધા સહી સલામત.
2.00 ના 4.00 થવા આવ્યા. દાડમ ને ન્યાય આપવાનું નક્કી કર્યું. સૌ એ દાડમ ને કેચ કરી સીધા મોંઢેથી વેત્ર્યાં. નાતા નાતા દાડમ ની રમજટ બોલાવી. ઓળા શેકવા પણ વરસાદ મા આગ પ્રગટાવવી કેમ ત્યાંજ અજય બોલ્યો આજ પાણી મા તાપ કરવો છે, કરે હો ભાઈ આ ભામ. ભેખડ નીચે થી સૂકું ખડ,ટિટીયા, ઘાવારિયા બળતળ, ભુંભલા ભેગા કરી તાપ કર્યો. બળતણ તપ્યા પછી ઉપડ્યા હહડાટી બોલી, માલપા ઓળા નાંખ્યા. પણ તાપે સાથ નો આપ્યો, ઓળા વરાળીયા થયા.
ઉપર ઝાકળિયા કરા અને હાથમાં વરાળિયા ઓળા. મૂકે એ બીજા.
સૌ નાઈ અને ખાઈ ધરાણા. જે ખીલે ટટડિયા બાંધ્યા ત્યાં પાછાં ફરવાનું નક્કી કર્યું. ઝરમર વરસાદ મા ચાલતા થયા. પ્રકૃતિ સાથે ની મુલાકાતની યાદગીરી માટે ચિત્રો ને કેમેરા મા કેદ કરતા કરતા મુકામ સુધી આવી પૂગ્યા. અમારી ગાડી શરૂ કરી દેશી ચા ની ટપરી ભણી વાળી. પણ નસીબમાં જોર કરતા હોય એવું લાગ્યું. ગરમા ગરમ ભજીયા જોઈ મોઢામાં પાણી આવ્યા. ઝપટ બોલાવી.
બસ આવી મોજ સાથે જીવન પસાર થતું રહે. એ જ પ્રકૃતિના આશીર્વાદ.
અને હા અજય આ લખે એ પણ પ્રકૃતિ પ્રતાપે.
@ અજય કળસરિયા.
No comments:
Post a Comment