ગીર
ઘણી ખમ્મા ગાંડી ગીર ને.
અમે પાલીતાણા થી સાત ભેરૂઓએ જાંબુઘોડા જવાનું નક્કી કર્યું હતું. પણ ગીર જાણે અમને આવકારતું હશે, એટલે ગાડી ને બવ વચાર કર્યા વિના ગાંડી ગીર ભણી વાળી.જેસર થી સાવરકુંડલા થઈ ખાંભા.
ખાંભા થી ઉના જતા રસ્તામાં હનુમાનગાળા રમણીય સ્થળ આવે, જંગલ ના ગાડા કેડે જતા વચ્ચે ઝરણા, હિલોળા લેતી વનરાયું અને એમાં ઝરમર વરસાદ ના ફોરા એ અમને તરબોળ કર્યા. ઝરમર વરસાદ ના ફોરા મા ભીંજાતા ભીંજાતા પહોંચી ને જોયું તો ડુંગર ની જાણે બે ફાડ, વચ્ચે ઝરણુ દોટ મૂકી કોઈ નદી માતા ને મળવા આતુર જણાયુ. ઝરણા ના આછા તેલ પાણીમાં આમારા પડછાયા જોયા. અમે હવે અમારા નક્કી કરેલ સ્થળ ની ખૂબ નજીક હતા થોડા ઉબડ ખાબડ પગથિયાં ચડી ને જોયું તો ડુંગર ની ઊભી પત્થર ની ભેખડ ના તટે હનુમાનદાદા બિરાજે, જાણે ગીર ની રખેવાળી કરતા હોય. દૂર દૂર થી અહી લોકો મનોકામના પૂર્ણ કરવા આવે.
અમે તો બસ શહેરી જંગલ થી દુર મનને શાંતિ આપતા જંગલ ની શોધ મા આવી ચડ્યા, કોઈ આયોજન વગર. ઉપર આભ ને નીચે ધરા, ગીર ના સથવારે.
ત્યાંથી સુણા ડુંગર ઐતિહાસિક સ્થાન જોતાં જઈએ એવું મન બનાવ્યું. ઉના રોડ તરફ જતા રબારિકા ગામ થી અંદર આઠેક કિલોમીટર જેટલા અંતરે આ રમણીય સ્થાન આવે.ગીર ના સ્થાનિક લોકોના અનુભવ મુજબ પાંડવો વનવાસ દરમિયાન આ જગ્યાએ રોકાયા હતા. બાસઠ જેટલી ગુફાઓ તેની સાક્ષી પૂરે છે. લૂંટાઈ એટલો આનંદ લૂંટી દ્રોણેશ્વર મહાદેવ ના દર્શન કરવા રવાના થયા. બારે અને ચારે ગૌમુખ માથી ગંગા ની ધારા અવિરત ચાલુ હોય. આ શિવ મંદિર પણ પાંડવો દ્વારા સ્થાપિત હોય, જાણે મહાદેવ ની ઝટા માથી ગંગા ની ધારા નીકળતી હોય એવું લાગ્યું. સૌ ને થોડી થોડી ભૂખ લાગી, સામે ગરમાં ગરમ મકાઈ શેકાતી જોઈ મકાઈ ને લાભ આપી મિજબાની કરી.
પાલીતાણા થી નીકળ્યા ત્યારથી જ મનમાં જેનું રટણ હતું એ જમજિર ધોધ જઈ ને નાવું. ગાડી રવાના કરી. વચ્ચે પ્રકૃતિ ને મનભરી ને પિતા ગયા. થોડે દુર ગયા ટેકરા ઉપર આછો સોનેરી તડકો જેમ મોર ના માથે કલગી શોભે એમ ગીર ની શોભા વધારતો હતો. આવો નજારો અને તેની કાયમ યાદ રે એટલા માટે અમારી જાત ને તેમાં મઢવા અમારા સૌ ના ચિત્રો કેમેરામાં કેદ કર્યા, આહા જાણે સોને મઢેલ ફોટા ના હોય. ઝડપથી જમજીર પુગવાની ઉતાવળ, જામવાળા જમજીર ધોધ પહોંચ્યા. ધોધ જોતાં જ અમારો ગોઠિયો નિતેશ આભો બની ગયો.બે ઘડી સૂનમૂન થઈ ગયો. પણ એ અમારો નિતેશ કલા નો પૂજારી મનમાં આબેહૂબ કાગળ, પીછી,રંગ અને કલમ વગર ગીર ના સોંદર્ય ને ચિતરે, પ્રકૃતિ નો લીલો રંગ એક જ તમામ રંગો ની ખોટ પૂરતો હોય એમ એ બોલ્યો અત્યારે એક જ રંગ કાફી છે. ગીર ના સોંદર્ય ને ચિતરવાની ઉત્કંઠા એના મુખ પર સ્પષ્ટ જણાઈ આવે. કાંઠે વહેતી નદી જાણે ગાંડીતૂર થઈ હોય એમ જ લાગતી હતી, કદાચ આ જ જમજીર ધોધ નો પ્રવાહ ગીર ને ગાંડી બનાવી રહ્યો હોય એવું લાગતું હતું. ધોધ મા ધુબકો મારી જાવ એવી તાલાવેલી પણ, સુરક્ષા ખાતર ધોધ મા નાવું થોડું જોખમી લાગ્યું, પણ નાવાનું તો નક્કી જ કર્યું એટલે નદીના વહેતા પ્રવાહ મા નાયા. એક બીજા નો હાથ પકડી રાખ્યો, અમુક ગોઠિયા આગળ દીવાલ બની ઊભા રહે અમે દૂર જઈ નદીના વહેતા પ્રવાહ મા અમારી જાત ને છૂટી મૂકીએ ઈ જાણી જોઈ ને તણાવા નો આનંદ, આગળ અમારા ભેરુ છે એવો અડગ ભરોસો એટલે આવા ઉધામા કર્યા.બાકી આ જમજીરે કયેક ને સ્વર્ગ બતાવ્યા ના દાખલા છે.જમજીર ધોધ આજ તાંડવ નૃત્ય કરતો હોય એમ જ દ્રશ્યમાન લાગ્યો. નાયા પછી ભૂખ લાગી. મોસાળ મા પીરસનાર મા એમ સામે જ પેંડા બનતા હતા. ભૂખ ભાંગવા ગીર જામવાળા ના પ્રસિદ્ધ પેંડા ખવાય એટલા ખાધા.
હવે ગીર ની અસલ મજા શરૂ થાય. જામવાળા થી ધારી આવવા પરમીટ લઈ જંગલ માથી અમારી ગાડી પસાર થઈ.રસ્તો શરૂઆત મા તો સારો,પણ બેક કિલોમીટર આગળથી રફ રસ્તો ગાંડી ગીર નો સાક્ષી હતો. અમે ગાડી ધીમે ચલાવતા અને રસ્તાની બંને બાજુ ની સોળે કળાએ ખીલેલી વનરાઈ ને નીરખતા આગળ વધતા જતાં હતાં, મનમાં હાવજ જોવાની તાલાવેલી, ત્યાં જ જેમની આતુરતા થી રાહ જોતાં હતાં એ વનરાજા તેની સિંહણ સાથે રસ્તા પર ચાલ્યા જતા હતા. આ હા જંગલ મા કોઈ બંધન વગર વનના રાજા નો વિહાર અદભૂત નજારો. સાવજ તેની પ્રિયતમા સાથે શૃંગાર રસપાન ના અવસર ની તલાશ માં હતો. એમાં અડચણ ના આવે, આતો જંગલ ના રાજા કેવાય શાંતિ ને જ મંત્ર બનાવ્યો.
ગાડી બંધ કરી વનરાજા ને જવા દીધા, દર્શન કર્યા આગળ ચાલ્યા, વનરાજા ની ડણક અમારા કાન મા ગુંજતી હતી. રસ્તાની બંને બાજુ હરણ અને મોર ના ટોળાં પ્રકૃતિ નો શણગાર અને શોભા મા વધારો કરી રહ્યા હતા. પક્ષી ઓ પણ મન મૂકીને પોતાના કાલા ઘેલા સુરે જરમર વરસાદ ના વધામણા કરતા હતા.કંઇક નવું જોવા મળશે એ રીતે ચોર પગલે અમારી ગાડી ધીમે ધીમે આગળ ચાલતી હતી.જંગલ ના રફ રસ્તાની બંને બાજુ અવનવા ફૂલ ઝાડ અને એના ઉપર રંગબેરંગી પતંગિયાઓ ધીંગામસ્તી કરી અમારી જેમ મોજ કરતા હતા. લીલુંછમ ઘાસ, ધરા એ લીલેરી ચુંદડી ઓઢી હોય એવી અનુભૂતિ કરાવતું હતું. રફ રસ્તે ગાડી ધીમે ધીમે ચાલતી હતી.
મનમાં એમ હતું હજી એક વખત વનરાજા ના દર્શન થાય, પણ નસીબ ની વાત છે. જ્યાં જવાનું હતું એ કનકાઈ અને બાણેજ ના બોર્ડ ઝરમર વરસાદ મા ઝાખા દીઠા. ચોકીએ જઈ વિશાલે પૂછ્યું બાણેજ જવું છે સાહેબ. સાહેબે ફરજ પાલન અને સમય ના બંધન અને ગીર ની સુરક્ષા ખાતર પ્રવેશ ના આપ્યો. પણ દોષ અમારો અમે મોડા પડ્યા કદાચ ગીર ની ઈચ્છા હશે અમને ફરી અહી લાવવાની. હાવજ ની ત્રાડ અમને ટકોર કરી કહેતી હતી કે ફરી આવો ત્યારે સમયસર આવજો. બાકી ગીર મા હંમેશા સૌનું સ્વાગત જ હોય. આમેય ગીર ના નેહ ની મહેમાનગતિ ની તોલે બત્રીસ જાત ના પકવાન પણ ફિક્કા લાગે. અમે પણ વનરાજા ને ફરી આવવાનો કોલ આપી બહાર નીકળ્યાં. ગીર ને ઘણી ખમ્મા વાળું ગીત વગાડી અમારા આનંદને વ્યક્ત કરવા નાચવા નું નક્કી કર્યું. જે ક્યારેય નોતા નાચ્યા એ કાલું ધેલું નાચ્યા. અમારી સાથે હરેશ પણ ગીર ને ખમ્મા ખમ્મા ના નાદ થી અને નૃત્ય થી વધાવતો હતો. આજ મોજ કરી લેવી એવું તો પાક્કું લાગ્યું. આવી નિર્દોષ મોજ નો પ્રતાપ ગાંડી ગીર હો.
ગીર મા કેટલીય વાર ગયો, પણ દરેક વખતે નવો જ અનુભવ થાય, ગીર ને જોવું અને માણવું અને માણ્યા પછી પામવું, પણ આજ સુધી ગીર ને પામવાના ઓરખા અધૂરા જ છે. એટલે જ્યારે વખત મળે ત્યારે ગીર જવાની તક જડપી લઉં,ગીર જાણે મને પોકારતું હોય.
ગીર વિશે જેટલું લખીએ એટલું ઘટે. ગીર એ સૃષ્ટિ એ આપેલ અણમોલ ભેટ છે, પણ આજે ગીર ને ગંદી બનાવતા હરી ફરી જે તે ખાઈ પ્લાસ્ટિક ફેંકતા લોકો માટે રાગદ્વેષ થાય. મન મુંજાય આમ સૌની ગીર કેમ સુંદર રહેશે ? એકાદ બે દી ભૌતિક સુવિધા વગર લોકો કેમ નહિ રહી શકતા હોય કે પ્લાસ્ટિક મા ખાવાની ટેવ પડી હશે એવું ખરું. જ્યાં હાવજ હેંજળ પીએ ત્યાં ય પાણીની બોટલો. આવા પામર મનુષ્યો ને કોણ સમજાવે કે અમૃત ને તરછોડો છો.
ગીરે ખમીર સાથે સોરઠ નો ઇતિહાસ ઉજળો કર્યો છે. ગીર સે તો ખાનદાની છે, ગર ને ખમ્મા ખમ્મા, ગાંડી ગીર ને જાજેરી ઘણી ખમ્મા, ના આશીર્વાદ દેતા દેતા હું ગાડી ચલાવતો હતો. મારા ભેરુ સંજય ને મારા પર ભરોહો એટલે ગાડી અજય તું હાકજે એવું કે.
અમે નક્કી કર્યું કે આજે વિનોદ ભલે પરાણે મને ક મને નાસ્તો કરાવે મેલવો નથી, પણ આતો ગીર નો પ્રતાપ જે વિનોદ મીઠો માવો ના ખવડાવે એ વિનોદ હાવજ ની જેમ ત્રાડુક્યો, તો ભલે આજ ગાંડી ગીરનું હુરાતન બોલે છે, સૌને પાવભાજી ની મિજબાની કરાવી. આ છે ગીર. ગાંડી ગર.
છેલ્લે અમારા પ્રધાન આચાર્ય બળુંભાઈ નો આભાર જેની મહિન્દ્રા સ્વદેશી કંપની ની ગાડી એ અમારી યાત્રા ને યાદગાર બનાવી.
છેલ્લે અજય આ લખે એ પણ ગીર ના પ્રતાપે, બાકી આપડે ક્યાં કવિ કે લેખક ના જીવ, અહી ગીર નું હુરાતન બોલે ઈ લખાય.
गीर नहीं देखा तो कुछ नहीं देखा,
कुछ दिन तो गुजारिए गांडी गीर में।
ક્યારેક અમિતાભ બચ્ચન આવું બોલ્યા હોત, અસ્તુ.
@ અજય કળસરિયા (9429165208)
No comments:
Post a Comment