Tuesday, 6 October 2020

સવલી - વિજય દાફડા

સવલી       
                                    
  વિજય દાફડા 
                        
માથું અડી જાય એવા નીચા નેવાં,કાચી દીવાલ અને છાણથી લીપેલ ઓસરી . એક જ ઓરડો . ઓરડાની બાજુમાં જ આડશ જેવું કરેલું એ સવલીનું રસોડું. રસોડામાં સવલી ચા બનાવે છે . સવલી એટલે સવિતા. 
            ચા બનાવતા – બનાવતા જ સવલીએ પૂછ્યું – “એલા કાના...... તારા બાપા ક્યાં ? “
             “ઈ બઠયા અમરાદાદાને ઓટે “-ગાયને પાણી પાતા-પાતા કાનાએ ઉતર વાળ્યો .
        “તે જા .. અને ઈને કય ક સા થઉં ગઈ સ . હાલો પીવા .”-લોટામાં ચા વાળતા –વાળતા સવલીએ કીધું .
              થોડીવારમાં જ બાપ – દીકરો આવ્યા અને આવતા વેત જ સવલીએ એને પોંખ્યા : “ હવાર –હવારમાં ટાઈમ મળુગો ઓટે બહવાનો ? આ બાયું મેણા માર્ત્યુસ “
       સવલીએ વાટકામાં ચા આપી એ હાથમાં લઈને જીવણ સવલી સામે જોઈ રયો. -“ કાઉ મેણા માર્ત્યુસ ? ક તો ખરા .”
       કાના સામું જોઇને એ  બોલી – “ કત્યું સ ક આ ઢાંઢો થ્યો હવ . આનો કાઈ કામ ગોઠવવો નથ હવ ?”
         જીવણ મૂછમાં હસ્યો અને કાનાને કે – “ એલા અય ....તે તારી માને વાત નો કરી ? ભૂલું ગો ક કાઉ ? “
        “ હા જો ... સાના-માના બેય ગપટુ ગા ? કાઉ સ બોલ્ય ? “ – સવલી તાડૂકી .
           “ ઈમાં આ સોકરાન કાઉ ખીજાતી સા ? હું કાલ ગોતો પીપળવે પાણીઢોળમાં ઈ તો તન ખબર્ય સ . તે આ કાનાનો નક્કી કરતો આદો સા....  તારા ભાઈ હમીરની સોડી સંગુ હારે . હવ કેદી હગાઇ રાખવી ઈ ઈવડા ઈ કેવરાવ્હે. મેણાં મારવા વાળ્યુંને કવ દય”- જીવણે સવલીને શાંત પાડવા આખી વાત સમજાવી.
             “ તે કાલ્ય કેમ નો કીધો મન ? કાઈ મરું ગઇતી હું ? મેણા મારવાવાળ્યું  ગયું માય . આજ તો માર તમણી હારે બાધવાનો થાહ.......તમે મન કીધો કેમ નય ?? “- સવલીનું રૂપ આજ કૈક અલગ જ હતું . એને પૂછ્યા વગર કાનાની સગાઇ નક્કી કરી , એ પણ એના સગ્ગા ભાઈની છોકરી સંગીતા સાથે . એટલે આજ એ બરાબર વિફરી હતી.
             “ પણ હું કારજમાંથી મોડો –મોડો આદો તઈ તું હુવ ગઇતી . તે મેં આ કાનાને વાત કરી, ન તન નો કરી . આમાં મારો કાવ વાંક સ બોલ્ય ?”- જીવણે સવલીને વાત તો સમજાવી પણ હવે એને પણ ભાન થયું કે એણે ભૂલ તો કરી છે.
            “ માં .. આમાં મારા બાપાનો કાઈ વાંક નથ . ઈ મોડા મોડા આદા ઈમાં તન કવાનો રવ ગો . જાવા દ ન માં .”- કાનાએ વાત વાળવા પ્રયાસ કર્યો .
            “ એ ...... તમે બેય બાપ –દીકરો ટણપે મારે જાવ .ઈ  ઘરવાળીને ભૂલું ગા ? અને તું તારી માં ન ભૂલું ગો ? મારેય તમણી હારે હવ કાઈ લેવા –દેવા નથ . હાથે રાંધુ ન ખવ લયો.રાંધતા ન આવડતો હોય તો નવી વહુને લવાવો ઈ તમણ રાંધુ દેહે . આજથી હું રાંધુ દેવાની નથ.”- સવલી બબડતા –બબડતા ઓરડામાં ચાલી ગઈ. ને અંધારામાં ગોદડું ઓઢીને સુઈ ગઈ .
         બહાર બાપ દીકરો બેય વિમાસણમાં મુકાયા. જીવણને ખબર નહોતી કે આ વાત આટલી બધી વધી જાશે.
         જીવણની જ્ઞાતિમાં મામા–ફોઈના સબંધ હોય તો બીજે ક્યાય નાતરું શોધવા જવાનું હોય જ નહિ . પહેલી પસંદ મામા – ફોઈમાં. એટલે ઉત્સાહમાને ઉત્સાહમાં જીવણ કાનાનું નક્કી કરીને આવતો રયો પણ કાનાનું નક્કી કરતા પહેલા સવલીને પૂછવાનું એને ઉચિત ના સમજ્યું. એને એમ કે સગા ભાઈની દીકરી સાથે ગોઠવ્યું છે તો એમાં સવલીને શું વાંધો હોય ? એ તો રાજી જ થશે. પણ થયું બધું ઉલટું .  
           સવલીને વાંધો એના ભાઈની દીકરી સંગીતા સાથે નહોતો  પણ , વાંધો એક જ હતો કે જીવણે એક વખત એને પૂછ્યું કેમ નહી . એમાં એ રીસાણી અને ખીજાણી.
        બાપ-દીકરો મૂંગા મોઢે ખેતરે જતા રયા. બપોરે આવીને જુએ તો ચૂલો ટાઢોબોળ. ચાના વાસણ પણ એમને એમ પડયાતા . કાનાએ ઓરડામાં ડોકિયું કર્યું . જોયું તો સવલી હજી સુતી છે .કપાળે હાથ મુક્યો ને કાનો ચમક્યો . 
         બહાર આવીને કહે –“ મારી માને તો તાવ ચડ્યો સ .” 
       જીવણે કપાળ કૂટ્યું. કાનો કહે – “ હમણાં આવતો સા . ઉપાધી નો કરતા.”
                               ************ 
         સાંજ થવા આવી છે . જીવણ હજી સુનમુન બેઠો છે- થાંભલીને ટેકો દઈને.
                 આ બાજુ  સવલીના રસોડામાં શીરો બનતો હતો ,પણ સુગંધ તો એવી સરસ . આજુબાજુના ઘરમાં પણ સુગંધ પ્રસરી ગઈ. 
             ઓરડામાં સવલી ઓઢીને સુતીતી એ પણ જાગી ગઈ. મનોમન બોલી – આ કંસાર કોણે બનાવવા મુક્યો ? કોઈની જાન આદિ ક કાવ ? 
             હજી એ કાઈ બીજું વિચારે એ પહેલા સંગુ થાળીમાં શીરો લઈને સવલી પાસે ગઈ.અને કહે – “ ફુઈ ...  લ્યો જરાક  ખઉં લ્યો .”
            સવલી ધીમે –ધીમે ઉભી થઇ , એના ચહેરા પર સ્મિત હતું. સવલીએ  સંગુનો હાથ જાલ્યો અને બહાર આવી . જીવણ અને કાનો બંનેને જોઈ રહ્યા .
               સંગુએ સવલીનું મો મીઠું કરાવ્યું અને બોલી – “ ફુઈ તમે જઈ હાજા થાહો તઈ જ હું મારા ઘરે જાહ . લગન નો કરાવો તો કાઈ નઈ , તમે કાઈ મારા ફુઈ થોડા મટુ જાવાના સો .” 
             સવલીએ સંગુના માથે વહાલથી હાથ ફેરવ્યો અને બોલી – “ સંગુ , કાઉ ભત્રીજી ન કાઉ વહુ ..... તે કાઈ ફેર તો રેવા નો દીધો . માર બીજો કાઉ જોતો સ .આ તારો જ ઘર સ મુઈ . “
               કાનાના મો પર સ્મિત હતું અને જીવણની આંખમાં આંસુ .
       જરાક છણકો કરીને સવલી કહે – “ આ બેય બાપ દીકરો હવારના મુંજાવન બઠયા છે . એનેય શીરો ખવડાવ.”
                   શીરો જાણે કંસાર બની ગયો .
                      ************************
અમરેલી પરગણાં આસપાસ વણકર સમાજમાં આ બોલી થોડાક વર્ષો પહેલા પ્રચલિત હતી . હાલ કોઈક જ ગામોમાં આ બોલી બોલાય છે .

પ્રાદેશિક શબ્દો 
કાઉ – શું   ,  તમણ –તમારે  , સા – ચા , મળું ગો –મળી ગયો   ,
બહવાનો – બેસવાનો ,   માર્ત્યુસ – મારે છે , ક – કહે,     ગો – ગયો ,
ગપટુ ગા – સમજી ગયા , આદો – આવ્યો , સા – છું ,   કીધો – કીધું ,
કવાનો – કહેવાનો , રવ ગો – રહી ગયો  , ટણપે મારે ગયો – એની કાઈ જરૂર નથી     , દેહે – આપશે   , સા – છું ,  આદિ – આવી ,  મટુ –સમાપ્ત 
સ – છે , તમણી – તમારી , હુવ – સુઈ

No comments:

Post a Comment

ત્યારે તને યાદ કરી છે @રમેશ મારું

ત્યારે મેં તને બહુ યાદ કરી છે..... ક્યારેક આથમતી એવી સાંજ  ઢળી છે ને, ત્યારે મેં તને બહુ યાદ કરી છે,  રતુમડી ઘેરી એવી સાંજ  ઢળી છે ને,  ત્યા...