Sunday, 27 September 2020

દેવાયત ભમ્મર - સાવજનું ગીત

સાવડ ધારે સિંહ બેઠો ને જુવે ગરય મોજાર.
ક્યાં છે ભલો નેહડો મારો ક્યાં છે હાડ હોકાર?

વેરી મુને વગડો લાગે.
કોકે એને તગડયો લાગે.
એકલું મને ગમતું નથી, કોઈ અહીં કાં ભમતું નથી?

એ પાડરૂ એનાં મરતાં તેદી દેતો અમને થાળ.
હાર્યે હાર્યે રમતાં ભમતાં રક્ષિત એના બાળ.
હવે અહીં ભેંકાર લાગે.
જંગલું હવે બેકાર લાગે.
ક્યારે પાછો આવશે વાલો? ક્યારે હાંક મારશે વાલો?

એક ગોવાલણ ગરયની હતી,એ પ્રેમથી મને જોતી.
એ સિંહણની વડયની હતી, નાહક રંજાડતી નોતી.
પડ્યાં છે આ નેહડાં ખાલી.
હે ગોવાલણ ક્યાં તું હાલી?
આવી મને દે હોંકારો, પંડયને તું કર્ય પડકારો.

એક ગોવાળિયા તું હતો ને, મોરલા, ચકલાં સૌ.
વહમો હવે વગડો લાગે એને કઠણાઇ મારી કવ.
મળે નહીં મોરલા ગોત્યાં.
ફરે અહીં છે માણસો ખોટા.
કેદી પાછો ટહુકો આવે, કેદી મારો ભભકો આવે?

'દેવ' મારા તો પગલાં દુઃખે,આવું પાછળ શહેર.
રહીશું વાલા આપડે સુખે, પાછો આવી જા ઘેર.
સા'બો તને દેય છે ડારા?
અમે પણ નીકળ્યાં બારા.
કેદી ભેળાં ભમશું ભલા, કેદી આ ટળશે બલા?

સાવડ ધારે સિંહ બેઠો ને જુવે ગરય મોજાર.
ક્યાં છે ભલો નેહડો મારો ક્યાં છે હાડ હોકાર?

વેરાન મુને વગડો લાગે.
કોકે એને તગડયો લાગે.
એકલું મને ગમતું નથી, કોઈ અહીં કાં ભમતું નથી?

દેવાયત ભમ્મર:-૨૭/૦૯/૨૦૨૦.

No comments:

Post a Comment

ત્યારે તને યાદ કરી છે @રમેશ મારું

ત્યારે મેં તને બહુ યાદ કરી છે..... ક્યારેક આથમતી એવી સાંજ  ઢળી છે ને, ત્યારે મેં તને બહુ યાદ કરી છે,  રતુમડી ઘેરી એવી સાંજ  ઢળી છે ને,  ત્યા...