શકીલ કાદરી
એક ગીત: Perception
રાધાની આંખોમાં ગોકુળિયું ગામ છતાં, એમાં દેખાતો નથી શ્યામ.
કૂવે ઊભેલી એક પણિહારી પાસેથી વાયરાએ વાત એવી જાણી.
ગોપીની ફૂલ જેવી જીભ મહીં ફૂટી પછી એવી તો કાંટાળી વાણી.
જેમાં દેખાય નહીં નટખટિયો શ્યામ, એની આંખોનું મારે શું કામ?
રાધાની આંખોમાં ગોકુળિયું ગામ, છતાં એમાં દેખાતો નથી શ્યામ.
ગોપીની લાગણીને વાયરાંની લહેરખીએ પહોંચાડી રાધાને ધામ.
રાધાની આંખોમાં ગોકુળિયું ગામ, છતાં એમાં દેખાતો નથી શ્યામ.
શીતળ સમીરથી વાત આવી સાંભળીને રાધાની આંખો ભીંજાઈ.
ડાળીઓ કદંબની રાધાની આંખોમાં અશ્રુઓ જોઈ સૂકાઈ.
કોણ જાણે કયાંથી આ આવી છે વાત, હવે જાણે છે આખ્ખું યે ગામ.
રાધાની આંખોમાં ગોકુળિયું ગામ, છતાં એમાં દેખાતો નથી શ્યામ.
શીતળ સમીર સાથે ટહુકીને કોયલડી, આપે છે હૈયાને ડામ.
રાધાની આંખોમાં ગોકુળિયું ગામ, છતાં એમાં દેખાતો નથી શ્યામ.
પાસે ઘનશ્યામ નથી આવી આ વેળાએ રાધાથી બીજું શું થાય ?
"આવું તો હોય નહીં" મનમાં વિચારી એવું, કરવા એ ચાલી ઉપાય.
પોતાની આરસીમાં, નિજ આંખે મુખ જોયું, રાખીને હૈયામાં હામ.
રાધાને આંખોમાં ગોકુળિયું ગામ અને દેખાયો નટખટિયો શ્યામ.
No comments:
Post a Comment