જે ડૂબ્યું ખોળવાનો અર્થ નથી,
આંસુને ડહોળવાનો અર્થ નથી.
સીંચતા જળને બદલે મૃગજળ સહુ,
આપણે કોળવાનો અર્થ નથી.
ઘરપણું થઈ ગયું છે મેલું ત્યાં -
ભીંતને ધોળવાનો અર્થ નથી .
પલ્લું ભારી રહે છે દુનિયાનું,
સ્વપ્નને તોળવાનો અર્થ નથી .
જાગૃતિ જેણે ઓઢી ચાદર જેમ ,
એને ઢંઢોળવાનો અર્થ નથી .
એ મળે તો સહજ રીતે જ મળે,
બાકી ફંફોળવાનો અર્થ નથી .
ઝીલતાં આવડે તો જ ઉછાળો,
શબ્દ ફંગોળવાનો અર્થ નથી .
@મનોજ ખંડેરિયા
No comments:
Post a Comment