🌺
તડકાની મોસમમાં લાગે છે ટાઢક ને ઠંડીની મોસમમાં લૂ
એ'ય ! તને સત્તરમું બેઠું કે શું ?
પગલું માંડે તો પંથ અત્તર થૈ જાય-શહેર આખ્ખાનો બાગ જાણે તારામાં ભરિયો
લહેરાવું,વિખરાવું ચ્હેરા પર લટનું અઃમ લાગે કે ઉછાળા મારતો હો દરિયો
સ્મરણોનાં ચાતક આ ઝંખે છે જેને , એ તું જ તો છે આખ્ખું ચોમાસુ
તડકાની મોસમમાં લાગે છે ટાઢક ને ઠંડીની મોસમમાં લૂ
એ'ય ! તને સત્તરમું બેઠું કે શું ?
ગુલ્લાબી ચ્હેરા પર ગુલ્લાબી હોઠ અને એના તે પાડોશી મખમલિયા ખંજન
પહાડેથી વ્હેતાં થયેલાં કોઇ ઝરણાંને પથ્થર-બથ્થરનું શું હોય ભલા બંધન
વાસંતી ઝાડ,કોઈ ગીતનો ઉપાડ,કોઈ નવલો ઉઘાડ એ જ તું
તડકાની મોસમમાં લાગે છે ટાઢક ને ઠંડીની મોસમમાં લૂ
એ'ય ! તને સત્તરમું બેઠું કે શું ?
-------------------------
---------જિગર જોષી
No comments:
Post a Comment