વાંચનારા, છાપનારા, તાગનારા ચૂપ છે,
ઓ કવિતા, આજ તારા ચાહનારા ચૂપ છે.
ન્યાયના ઝંડા ઉપાડી દોડનારા ક્યાં ગયા?
સત્યની ધૂણી ધખાવી રાખનારા ચૂપ છે.
કુ-કવિતાઓમાં ઠલવાતી ઘણીએ ગંદકી,
પણ કરમકઠણાઈ છે કે જાણનારા ચૂપ છે.
સાવ સુક્કા કેશ ઝંખે રક્તનું સિંચન હવે,
દુષ્ટ દુ:શાસનના માથા વાઢનારા ચૂપ છે.
આમ તો તલવાર લઈ કૂદી પડે છે જ્યાં ને ત્યાં,
તેલ પાઈ મૂછને વળ આપનારા ચૂપ છે.
પારકી છઠ્ઠીના ઓલ્યા જાગતલ પોઢી ગયા!
હાથમાં લઈ ત્રાજવું પડકારનારા ચૂપ છે.
ક્યાં ગયા એ મિત્રતાના સાવ પોકળ વાયદા!
ચાંદ-તારા-આભ તોડી લાવનારા ચૂપ છે.
ચાલતા ગજરાજ પાછળ શ્વાનની ટોળી ભસે,
એ વિચારીને મજેથી ચાલનારા ચૂપ છે.
રે સમય... તારે કશું તો બોલવું પડશે હવે
કાં તને બેફામ ગાળો ભાંડનારા ચૂપ છે?
- પારુલ ખખ્ખર
No comments:
Post a Comment