Tuesday, 20 September 2016

રુસ્વા મઝલૂમી - કાજળ ઘેરી આંખોમાં કૈ

એ કાજળ ઘેરી આંખોમાં કૈં જાદુમંતર લાગે છે,
જ્યાં દ્દષ્ટિ પડે છે તેઓની ત્યાં આગ બરાબર લાગે છે.

શું હું પણ સુંદર લાગું છું, શું મન પણ સુંદર લાગે છે !
આ કોણ પધાર્યું છે આજે, કે સ્વર્ગ સમું ઘર લાગે છે ?

નૌકા જો હતી તોફાન હતાં, નૌકા જો ડૂબી ગઈ તો હવે :
મોજાંય બરાબર લાગે છે દરિયો બરાબર લાગે છે.

હું વાત કહું શી અંતરની જ્યાં મૂલ્ય નથી કૈં વચનોનું,
દુનિયાની નજરમાં સચ્ચાઈ પણ જૂઠ સરાસર લાગે છે.

એ જો કે પધાર્યા છે કિંતુ કૈં એવી રીતે બેઠા છે,
દેખાવ કરે છે દૂર થવા પણ પાસ બરાબર લાગે છે.

સૌંદર્ય તણી આ વાતો છે સૌંદર્ય તણી આ વાતો છે,
હા હા તો શું એના મુખમાં ના ના પણ સુંદર લાગે છે !

બેખોફ ખુદાની સામે પણ મસ્તક મેં ઉઠાવ્યું છે રુસ્વા,
પણ આજ ખરું જો પૂછો તો દુનિયાનો મને ડર લાગે છે.

‘રુસ્વા’ મઝલૂમી

No comments:

Post a Comment

ત્યારે તને યાદ કરી છે @રમેશ મારું

ત્યારે મેં તને બહુ યાદ કરી છે..... ક્યારેક આથમતી એવી સાંજ  ઢળી છે ને, ત્યારે મેં તને બહુ યાદ કરી છે,  રતુમડી ઘેરી એવી સાંજ  ઢળી છે ને,  ત્યા...