જગતના વાસમાં આવી,હૃદયના વાસમાં જઈએ,
દીવાને આમમાં બેસી, દીવાને ખાસમાં જઈએ.
ફૂલોની પાંખડીમાં,પાંદડામાં,ઘાસમાં જઈએ,
બગીચાની હવા થઈને બધાની પાસમાં રહીએ.
ચમનની હદમાં ફરશું ક્યાં સુધી માદક હવા જેવા?
કદી તો બહાર નીકળીને કોઈના શ્વાસમાં જઈએ.
સ્વમાની થઇ રહ્યા અંધકારમાં એવું વિચારીને,
સુરજ આપે નિમંત્રણ તો જરા અજવાસમાં જઈએ.
કશું જો હોય પાસે તો જ તજવામાં મહત્તા છે,
કે આમ જ ખાલી હાથે શું ભલા સંન્યાસમાં જઈએ.
જીવ્યા વર્ષો સુધી આ પૃથ્વીની ભૂગોળમાં બેફામ,
હવે ચાલો મારીને પૃથ્વીના ઇતિહાસમાં જઈએ.
- બરકત વિરાણી 'બેફામ'
No comments:
Post a Comment